કાસીન્દ્રા (તા. દશકોઈ, જી. અમદાવાદ) સ્થિત શ્રી દસકોશી વિશ્વકર્મા ગજ્જર સમાજ સંચાલિત વિશ્વકર્માધામ ખાતે વિશ્વકર્મા જયંતિ તથા વિશ્વકર્માધામના ૨૫મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ થી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન શ્રીમદ્ મહાપુરાણ ભાગવત પંચાહ પારાયણ તથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દસમ સ્કંધની કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કથા દરરોજ બપોરે ૩:૦૦ કલાકથી સાંજે ૬:૩૦ કલાક સુધી વિશ્વકર્માધામ, કાસીન્દ્રા ખાતે યોજાશે. સમાજના આગેવાનો જણાવે છે કે રજત જયંતિ મહોત્સવ સમાજ માટે ગૌરવપૂર્ણ અવસર છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ભક્તજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા અપીલ કરવામાં આવી છે.
મહોત્સવ પૂર્વે તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારે ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત વિજયસ્તંભની સ્થાપનાથી થશે. આ કાર્યક્રમ ચલોડા યુવક મંડળ, ચલોડા દ્વારા સવારે ૮:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન સંપન્ન કરવામાં આવશે.
મુખ્ય કથાકાર્યક્રમની શરૂઆત તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવારે પોથીયાત્રાથી થશે. બદરખા ગામથી બદરખા ગામ યુવક મંડળ દ્વારા સવારે ૧૦:૦૦ કલાકે પોથીયાત્રા નીકળશે, જે કથા સ્થળે પહોંચી બાદ બપોરે ૩:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય સાથે શ્રીમદ્ ભાગવત કથાનો આરંભ થશે.
તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૬, બુધવારે સાંજે ૫:૦૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવારે સાંજે ૫:૦૦ કલાકે ગોવરધન પૂજા તથા ફળોના અન્નકૂટનું આયોજન કરવામાં આવશે.
તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવારે સાંજે ૫:૦૦ કલાકે તુલસી વિવાહનો પાવન પ્રસંગ યોજાશે, જેમાં ભારતીબેન અશ્વિનભાઈ ગજ્જર તથા અશ્વિનભાઈ અમૃતલાલ ગજ્જર, નારાયણનગર (ચલોડા) પરિવાર દ્વારા સહભાગિતા કરવામાં આવશે.
રજત જયંતિ મહોત્સવના અંતિમ દિવસે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૬, શનિવારે વિશ્વકર્મા જયંતિના પાવન પર્વ નિમિત્તે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કથા વિરામ પામશે. આ દિવસે વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભગવાન વિશ્વકર્માની પૂજા-અર્ચના કરવામાં આવશે.
શ્રી દસકોશી વિશ્વકર્મા ગજ્જર સમાજના ટ્રસ્ટીઓ અને આયોજક સમિતિએ સમગ્ર સમાજજનોને પરિવાર સાથે ઉપસ્થિત રહી રજત જયંતિ મહોત્સવને સફળ બનાવવાની ભાવપૂર્વક અપીલ કરી છે.
રિપોર્ટ : હરેશ ગજ્જર, અમદાવાદ




