કુવાળા ના કારીગર જયંતિભાઈ સુથારની ધાતુશિલ્પ કળાને રાજ્ય સ્તરે ગૌરવ


વાવ-થરાદ | SV News

ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાયેલી ભવ્ય ઉજવણીમાં ગુજરાતની પરંપરાગત ધાતુશિલ્પ કળાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. કુવાળા ગામના પ્રતિભાશાળી કારીગર શ્રી જયંતિભાઈ શીવરામભાઈ સુથાર દ્વારા તૈયાર કરાયેલ સ્મૃતિચિહ્ન ચિત્ર રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ.


વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર શ્રી જે. એસ. પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) શ્રી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને સન્માનિત કરવા માટે વિશેષ તાંબાપત્ર તૈયાર કરાવવામાં આવ્યું હતું. આ તાંબાપત્ર પર નડાબેટ સ્મૃતિચિહ્નનું ચિત્ર ઓર્ડર મુજબ વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું.

ધાતુશિલ્પ કલા ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ધરાવતા કારીગર જયંતિભાઈ સુથારે ૨૦ ગેજ તાંબાની શીટ પર પરંપરાગત હથોડા અને ટાંકણાની મદદથી સંપૂર્ણપણે હાથથી એમ્બોઝ ડિઝાઇન ચિત્ર તૈયાર કર્યું. સૂક્ષ્મ કારીગરી, ચોક્કસ નકશાકામ અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નડાબેટ સ્મૃતિચિહ્નની કલાત્મક રજૂઆત સૌ કોઈનું ધ્યાન ખેંચતી રહી.


રમતગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ૭૭મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આયોજિત મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ સ્મૃતિચિહ્ન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્થાનિક કારીગરોની કળાને પ્રોત્સાહન આપવા બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી.

આ પ્રસંગે સ્પષ્ટ થયું કે ગ્રામ્ય વિસ્તારના પરંપરાગત કારીગરો પોતાની મહેનત, કળા અને સંસ્કૃતિ દ્વારા રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ઓળખ મેળવી શકે છે. જયંતિભાઈ સુથારની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ નહીં પરંતુ સમગ્ર કુવાળા ગામ અને ધાતુશિલ્પ પરંપરાનું ગૌરવ ગણાઈ રહી છે.





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું