પાલનપુર ખાતે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન–2026 યોજાયો


પાલનપુર, તા. 11 જાન્યુઆરી 2026

નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન–2026 નો ભવ્ય સમારંભ પાલનપુર ખાતે યોજાયો હતો. આ સમારંભમાં ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકોને તેમની શિક્ષણ ક્ષેત્રેની ગુણવત્તાસભર અને પ્રેરણાદાયી સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ગૌરવપૂર્ણ સમારંભમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની શ્રી સરપદડ કન્યા તાલુકા શાળાના પ્રતિભાશાળી શિક્ષકશ્રી શ્રી નિતિનભાઈ રમેશભાઈ બદ્રકિયાનું નામ વર્ષ 2026 માટે ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન માટે પસંદ કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી નવનવીન કામગીરી, વિદ્યાર્થીકેન્દ્રી અભિગમ અને સમાજ માટેની પ્રતિબદ્ધ સેવાઓ બદલ તેમને આ સન્માન પ્રાપ્ત થયું છે.

સમારંભ દરમિયાન શ્રી નિતિનભાઈ બદ્રકિયાને નોલેજ વેલી ફાઉન્ડેશન તરફથી શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રીની પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા શ્રીમતિ રીવા બા જાડેજા, પાલનપુરના માનનીય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, માન. રાજ કુંવરબા સહિત શિક્ષણ ક્ષેત્રના અનેક આગેવાનો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં શિક્ષકોના સમાજઘડતર માટેના યોગદાનને વિશેષરૂપે બિરદાવવામાં આવ્યું હતું તથા આવનારી પેઢી માટે શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

શ્રી નિતિનભાઈ બદ્રકિયાને પ્રાપ્ત થયેલ આ સન્માન બદલ શાળા પરિવાર, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા હાર્દિક અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા.




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું