ઓપન ગુજરાત સોની સમાજ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–૨૦૨૬નું ભવ્ય ઉદ્ઘાટન
રાજકોટ શહેરમાં સોની સમાજ દ્વારા આયોજિત ઓપન ગુજરાત સોની સમાજ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–૨૦૨૬ (VK વોરિયર્સ ચેલેન્જર્સ કપ) નું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ તાજેતરમાં તા. ૫-૧-૨૦૨૬ થી તા. ૯-૧-૨૦૨૬ દરમિયાન યોજાયો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન ફ્રેન્ડ યંગ સ્ટર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય આયોજક તરીકે મોહિતભાઈ ફીચડીયા અને મિલનભાઈ પારેખે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સોની સમાજના અગ્રણી, પ્રદેશ ભાજપ અગ્રણી તથા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી રાજુભાઈ લોઢીયા, કુમારભાઈ ધાણક અને ભાજપ અગ્રણી વિશાલભાઈ માંડલીયાના કરકમ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ, સોની સમાજના આગેવાનો, રાજકીય મહાનુભાવો તેમજ વિવિધ ટીમોના ખેલાડીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી.
ટુર્નામેન્ટ દરમિયાન રાજુભાઈ લોઢીયાએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, રમતગમત યુવાનોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માધ્યમ છે અને આવા આયોજનથી સમાજમાં એકતા તથા ઉત્સાહ વધે છે. ઉદ્ઘાટન સમારોહ ઉપરાંત ફાઇનલ મેચ દરમિયાન ચેમ્પિયન કપ અર્પણ કરવા રાજકોટ શહેરના મેયર નૈનાબેન પેઢડિયા, રાજુભાઈ લોઢીયા, ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, માધવીબેન જોગિયા (મીડિયા સેલ કન્વીનર) સહિત અનેક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક બન્યું હતું, જેને ખેલાડીઓ અને દર્શકો દ્વારા ઉત્સાહપૂર્વક માણવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા કરવામાં આવેલા ઉત્તમ આયોજનને સર્વત્ર પ્રશંસા મળી હતી.
(રિપોર્ટ : અશોકભાઈ પીઠવા, વલ્લભ વિધાનગર)





