દેશના પ્રથમ દિવાલ ઘડિયાળ ઉદ્યોગના ના સ્થાપક બાબુભાઈ મિસ્ત્રી

 ટાઈમકીપર ઓફ મોરબી: બાબુભાઈ મિસ્ત્રી 


દેશના કોઇપણ ખૂણે તમે જશો તો ત્યાં તમને દિવાલ ઉપર લગાવવામાં આવેલ આકર્ષક વોલ કલોક જોવા મળશે. જો કે, ભારતમાં રહેતા મોટાભાગના લોકોને ખબર નહિ હોય કે ભારતની અંદર દીવાલ ઘડિયાળ બનાવવાનું પ્રથમ કારખાનું 1946માં મોરબી શહેરમાંના સાયન્ટિફિક ક્લોકના નામથી શરુ કરવામાં આવ્યું હતું અને આજની તારીખે તેની ટાવર ક્લોક, ગ્રાન્ડ ફાધર ક્લોક તેમજ વુડન વોલ ક્લોકની ન માત્ર ગુજરાત કે ભારત, પરંતુ વિદેશમાં પણ ડિમાન્ડ છે.


ભારત દેશને આઝાદી મળી તે સમયે મોટાભાગના લોકો ખેતી આધારિત રોજગારી મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જો કે, મોરબી નજીકના હળવદ તાલુકામાં આવતા ટીકર ગામેથી તે સમયે બાબુભાઈ શિવલાલ મિસ્ત્રી, જેઓએ માત્ર ચાર ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો હતો, તેઓ 1942માં રોજગારીની શોધમાં મોરબી આવ્યા હતા અને ત્યારે નાના મોટા મિસ્ત્રી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમ્યાન તેમનું ધ્યાન વિદેશથી આયાત કરાતી અને ઘરે-ઘરે ટીંગાડાતી દિવાલ પર કેન્દ્રિત થયું હતું. પોતાની કોઠાસૂઝથી તેમણે પોતાના બનેવીને સાથે રાખીને ઘડિયાળ બનાવવાનું શરૂ કર્યું હતું અને મહિનામાં માંડમાંડ એક કે બે ઘડિયાળ તે બનાવી શક્તા હતા. જોકે, ત્યાર બાદ તેમને 1946માં મોરબીના મહાજન ચોક તરીકે જાણીતા વિસ્તારમાં સાયન્ટીફીક ક્લોકનો પાયો નાંખ્યો હતો. તે સમયે વેપારી એડવાન્સમાં રૂપિયા લઈને માલ લેવા આવે તો પણ ત્રણ મહિને માલ મળે તેવું માર્કેટ સાયન્ટીફિક ક્લોક પાસે હતું અને આજની તારીખે ગ્રાન્ડ ફાધર ક્લોક, ટાવર ક્લોક અને વુડન ક્લોકમાં તેના નામના દેશ અને વિદેશમાં ડંકા વાગી રહ્યા છે.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ્યારે ભારત વિદેશી વસ્તુઓ પર નિર્ભર હતું, ત્યારે બાબુભાઈએ સ્વદેશી ઘડિયાળો બનાવવાનું સાહસ ખેડ્યું. તેમણે સ્થાપેલી 'સાયન્ટિફિક ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની' એ ભારતને ઘડિયાળના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રથમ ડગલું હતું. તેમની ઘડિયાળોની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ હતી કે લોકો જર્મન કે જાપાનીઝ ઘડિયાળો ભૂલી ગયા. ભારતભરના ગ્રામીણ વિસ્તારોમાં તો 'સાયન્ટિફિક' શબ્દ 'ઘડિયાળ'નો પર્યાય બની ગયો હતો.


બાબુભાઈને સાચા અર્થમાં "નર-કેસરી" (સિંહ પુરુષ) કહેવામાં આવતા. જેમ સિંહ પોતાના ક્ષેત્રનો રાજા હોય છે, તેમ બાબુભાઈએ પણ ઘડિયાળ ઉદ્યોગમાં અનેક અવરોધો, આર્થિક મુશ્કેલીઓ અને શારીરિક બીમારીઓ સામે ક્યારેય હાર ન માની. ૧૯૯૦ના 'સમય ગુર્જરી' પ્રદર્શનમાં જ્યારે 'સાયન્ટિફિક'ની વિશાળ શ્રેણી પ્રદર્શિત થઈ, ત્યારે આખા દેશે તેમની કલા અને ટેકનિકલ સૂઝને વંદન કર્યા હતા. તેમને 'ટ્રેડ પોસ્ટ મેન ઓફ ધ યર'ના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાબુભાઈના જીવનમાં કામ જ ઈશ્વર હતું. તેમના મૃત્યુના દિવસે પણ, ૧૮ જુલાઈ ૧૯૯૨ના રોજ, તેઓ રાબેતા મુજબ ફેક્ટરીએ ગયા હતા. રાત્રે ૭:૦૦ વાગ્યે ઘરે આવીને તેમણે કલકત્તાના વિતરકને માલ રવાના કરવાની જાણકારી આપી. આ તેમનો છેલ્લો વ્યાપારી સંવાદ હતો. રાત્રે ૮:૩૦ કલાકે ઘડિયાળ ઉદ્યોગના ભીષ્મ પિતામહનું અવસાન થયું.


તેમની વિદાયના સમાચાર વાયુવેગે પ્રસરતા આખું મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. બીજા દિવસે શહેરના તમામ નાના-મોટા ઘડિયાળના કારખાનાઓ અને બજારોએ સ્વયંભૂ રીતે કામકાજ બંધ રાખીને અજોડ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની અંતિમયાત્રામાં ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય રિક્ષાચાલકો સુધીના હજારો લોકો જોડાયા હતા, જે સાબિત કરે છે કે બાબુભાઈએ માત્ર ઘડિયાળો જ નહીં, પણ લોકોના દિલ પણ જીત્યા હતા.

બાબુભાઈ માત્ર એક વેપારી નહોતા, પણ એક સંશોધક હતા. ચાવીવાળી મિકેનિકલ ઘડિયાળોથી લઈને આધુનિક ક્વાર્ટઝ મૂવમેન્ટ સુધીની તેમની સફર ભારતીય ઉદ્યોગ જગત માટે પ્રેરણારૂપ છે. આજે મોરબીમાં જે હજારો લોકો ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, તે ક્યાંક ને ક્યાંક બાબુભાઈએ રોપેલા બીજનું જ ફળ છે

સ્ટોરી, ફોટોગ્રાફ : પરમ જોલાપરા



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું