બનાસકાંઠા ખાતે VNGSST ફ્રેન્ડ્સ ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ (સીઝન–4) નો ભવ્ય આયોજન

 VNGSST FGVPL 2025 – સમાજ એકતા અને ખેલભાવનાનો ભવ્ય સંગમ



શ્રી વિશ્વકર્મા નવ પરગણા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, કટાવ બનાસકાંઠા દ્વારા સમાજના યુવાનોના નેતૃત્વ હેઠળ આયોજિત VNGSST ફ્રેન્ડ્સ ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ (સીઝન–4) નો ભવ્ય આયોજન તા. ૧૪-૧૨-૨૦૨૫ ના રોજ શિવનગર ક્રિકેટ સ્ટેડિયમ, થરાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો. વિશ્વકર્મા દાદાની અપરંપાર કૃપા તથા સમાજના સર્વે જ્ઞાતિબંધુઓના સાથ-સહકારથી યોજાયેલો આ કાર્યક્રમ માત્ર રમત પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજની એકતા, સંસ્કાર અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનું પ્રેરણાસ્રોત બની રહ્યો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે હોસ્ટેલ સુવિધાનો લાભ મળી રહે તે માટે સહાય એકત્ર કરવાનું હતું. ત્રીજા વર્ષની સફળતા બાદ ચોથી સીઝનમાં પણ સમાજના લોકોનો ઉત્સાહ અને સહયોગ દ્રષ્ટિગોચર થયો. વહેલી સવારથી જ શિવનગર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ખેલાડીઓ, આયોજકો અને દર્શકોનો ઉમટેલો ઉત્સાહ જોઈને એ સ્પષ્ટ થઈ ગયું કે આ ટુર્નામેન્ટ સમાજ માટે કેટલું મહત્વ ધરાવે છે.

ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ વિસ્તારોની ટીમોએ ભાગ લીધો અને તમામ મેચો શિસ્તબદ્ધ, રમતભાવનાથી ભરપૂર અને રોમાંચક રહી. ખેલાડીઓએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા દર્શકોને આનંદ આપ્યો. દરેક ટીમે જીત-હારથી ઉપર ઉઠીને રમતને રમત તરીકે સ્વીકારી, જે સમાજની પરિપક્વતા અને સંસ્કાર દર્શાવે છે. આ સિઝને સાબિત કરી દીધું કે જીત કરતાં વધુ મહત્વનું છે એકતા, ખેલભાવના અને સમાજનો ગૌરવ.

આ ભવ્ય આયોજનમાં સમાજના સર્વે જ્ઞાતિબંધુઓ પોતાના કુટુંબ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેનાથી સમગ્ર મેદાન ઉત્સવ સમાન લાગતું હતું. વડીલોનો આશીર્વાદ, યુવાનોની મહેનત અને બાળકોનો ઉત્સાહ – આ ત્રણેયનો સુંદર સંગમ આ કાર્યક્રમમાં જોવા મળ્યો. આયોજક સમિતિના યુવાનો દ્વારા આયોજનની દરેક બાબતમાં શિસ્ત, સમયપાલન અને વ્યવસ્થિત આયોજનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ “વિશ્વકર્મા BK – ભીલડી” (વિષ્ણુભાઈ બલોધર) ને ટ્રોફી અને સન્માન સાથે વિજેતા જાહેર કરવામાં આવી. જ્યારે રનર-અપ ટીમ “ટશન ટેટૂ – પાલનપુર” (અશોકભાઈ નેસડી, કોતરવાડા) એ પણ ઉત્તમ રમતનું પ્રદર્શન કરી રનર-અપ બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો. બંને ટીમોને VNGSST તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સાથે જ તમામ ભાગ લેનારી ટીમોને તેમની રમતભાવના, સંઘર્ષ અને ઉત્સાહ બદલ દિલથી વધાઈ આપવામાં આવી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે દિવસ-રાત મહેનત કરી એવા આયોજક મિત્રો, દાતાશ્રીઓ તેમજ દાતા લાવવામાં સહયોગ આપનાર દરેક મિત્રનો ટ્રસ્ટ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમના સહયોગ વિના આ ભવ્ય આયોજન શક્ય ન બનત. આ ટુર્નામેન્ટ માત્ર રમત નથી, પરંતુ સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે – આ ભાવના દરેકના હૃદયમાં ઝળહળી ઉઠી.

અંતમાં, એવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી કે વિશ્વકર્મા સમાજ હંમેશા એકતા, સંસ્કાર અને પ્રતિભાનો પર્યાય બની રહે અને આવનાર સમયમાં પણ આવી વધુ સફળ સિઝનોનું આયોજન થાય, જેથી સમાજના યુવાનોને પ્રેરણા મળે અને વિદ્યાર્થીઓને જરૂરી સહાય સતત મળતી રહે.

રિપોર્ટ : જયંતીભાઈ સુથાર, બનાસકાંઠા

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું