અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ છેદીલાલ શર્માનું ભોપાલ ખાતે અવસાન
ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, દેશભરમાં વિશ્વકર્મા સમાજમાં શોકની લાગણી
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય પ્રમુખ અને વિશ્વકર્મા સમાજના અગ્રણી નેતા છેદીલાલ શર્માનું ભોપાલ ખાતે અચાનક અવસાન થતા સમગ્ર દેશભરમાં વિશ્વકર્મા સમાજમાં ભારે શોક છવાઈ ગયો છે. તેમના અવસાન બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના ખુશીનગર જિલ્લાના નિવાસી એવા છેદીલાલ શર્મા છેલ્લા અનેક દાયકાઓથી વિશ્વકર્મા સમાજની એકતા, અખંડિતતા અને હિતોની રક્ષા માટે અવિરત કાર્યરત રહ્યા હતા. લુહાર, સુથાર, કડિયા, કંસારા, કુંભાર, સોની સહિત વિશ્વકર્મા સમાજની વિવિધ જ્ઞાતિઓને એક મંચ પર લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય તેમણે કર્યું હતું. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેઓ સમગ્ર ભારતભરમાં વિવિધ રાજ્યોમાં બેઠકો, અધિવેશનો યોજી સરકાર સમક્ષ સમાજને મળતા હકો અને લાભો અંગે સતત રજૂઆતો કરતા રહ્યા હતા.
તાજેતરમાં તારીખ 19, 20 અને 21 દરમિયાન ભોપાલ ખાતે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાનો ત્રણ દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયો હતો. આ અધિવેશનને સફળ બનાવવા માટે છેદીલાલ શર્મા જાતે ભોપાલ હાજર રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઠંડીના કારણે તેમને હાર્ટ એટેક આવતા ભોપાલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ દુઃખદ સમાચાર મળતા જ દેશભરના વિવિધ રાજ્યોમાં કાર્યરત મહાસભાના અધિકારીઓ અને કાર્યકરોમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી.
સમાચાર મળતાની સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રામ પ્યારે વિશ્વકર્મા તથા મનોહરજી વિશ્વકર્મા તાત્કાલિક ભોપાલ પહોંચી ગયા હતા. અવસાન બાદ છેદીલાલ શર્માના સુપુત્રો સતીશકુમાર શર્મા, બ્રિજેશકુમાર શર્મા, અરુણકુમાર શર્મા અને મહેન્દ્રકુમાર શર્મા સહિત પરિવારજનો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ખુશીનગર જિલ્લાના તેમના નિવાસસ્થાન ઘૂનવલિયા લાલ ગુલવલિયા ખાતે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો અને સમગ્ર સન્માન સાથે અંતિમ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય સ્તરના અનેક અધિકારીઓમાં રામ પ્યારે વિશ્વકર્મા, મનોહર વિશ્વકર્મા, દિનેશભાઈ શર્મા (મુંબઈ), રવિ વિશ્વકર્મા, ચંદન વિશ્વકર્મા, દિલીપકુમાર સોની, એમ.એમ. શર્મા (નાગપુર) સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાતમાંથી પણ પ્રેલેશકુમાર સિદ્ધપુરા, રમેશભાઈ વાઘેલા (ભુજ), દુર્લભજીભાઈ મકવાણા (માંડવી-કચ્છ), કિશોરભાઈ રાઠોડ (ધોરાજી), બાબુભાઈ કાતરવાલા (સુરત), રાજુભાઈ પિત્રોડા (ગોંડલ), જે.પી. રાઠોડ (જસદણ), શાંતિલાલ ગોહિલ (મજેવડી) સહિતના હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
