તાજેતરમાં તા:૨૮ ડિસેમ્બર ૨૦૨૩ ગુરુવાર થી તા: ૩ જાન્યુઆરી ૨૦૨૪ બુધવાર સુધી શ્રી લુહાર સુથાર મહિલા પ્રગતિ મંડળ સંચાલિત શ્રી વિશ્વકર્મા ભજન મંડળ આયોજિત ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદા અને સંત શ્રી દેવતણખીબાપાની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું શ્રી સંતરામ મહારાજની પાવનભૂમિ તરીકે જગવિખ્યાત એવા નડિયાદ શહેરમાં શ્રી સાઈ મંદિરના સાનિધ્યમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન પાછળ મહિલા મંડળનો મુખ્ય ધ્યેય એ હતો કે હિન્દુ સંસ્કૃતિમાં ઈશ્વરીય ભક્તિનું અનેક મહત્વ છે અને એમાં પણ શ્રવણભક્તિના માર્ગ થકી ઈશ્વરીય લીલાઓના વર્ણનને જ્ઞાનના શ્રવણ થકી જીવનને પવિત્ર કરવાનો છે.
વ્યાસપીઠ પરથી કથાકાર તરીકે સાંદિપની વિદ્યાનીકેતનના ઋષિ કુમાર શાસ્ત્રી શ્રી શિવકુમાર ઠાકર ( પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના કૃપાપાત્ર શિષ્ય )એ પોતાની સુમધુર વાણી અને સંગીતમય શૈલીમાં કથા નું સુંદર રસપાન કરાવ્યું. શ્રી વિશ્વકર્મા ભજન મંડળના પ્રમુખ શ્રીમતી રંજનબેન ને ત્યાંથી પોથીયાત્રા કથાસ્થળે પોહંચી તથા દીપ પ્રાગટ્ય કર્યા બાદ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી વરાહ અવતાર, શ્રી નરસિંહ અવતાર, શ્રી રામજન્મોત્સવ , શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રુક્ષ્મણી વિવાહ, શ્રી સુદામા મિલન,શ્રી પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગોની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને
તા :૩ જાન્યુઆરીના રોજ કથાને વિરામ આપવામાં આવ્યો હતો. તા: ૪ જાન્યુઆરી ૨૦૨૪ ગુરુવારના રોજ દશાંગ યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કથાના આયોજન દરમિયાન સમાજના પ્રસિદ્ધ ભજનીક દેવ મિસ્ત્રી( રંજનબેન ના પૌત્ર ) અને સીતારામ ગ્રુપ દ્વારા તા:૧જાન્યુઆરીના રોજ સુંદર ભજન નું આયોજન કરવામાં આવેલ હતું. કથાના આયોજનમાં નટપૂર ન્યુઝ, નડિયાદના નીરવભાઈ સોનીએ કંકોત્રી તથા બેનરના સૌજન્યનો લાભ લીધેલ. સતત ૩૫ વર્ષથી વિશ્વકર્મા ભજન મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહેલા શ્રીમતી રંજનબેન જયંતીભાઈ મિસ્ત્રી ,શ્રીમતી રેખાબેન પી. મિસ્ત્રી, શ્રીમતી કૈલાસબેન જી.મિસ્ત્રી,શ્રીમતી મીનાબેન એચ.મિસ્ત્રી તથા સમસ્ત ભજન મંડળની બહેનોએ આ આયોજનને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.
આ મહિલા મંડળની ખાસિયત એ છે કે તેઓ ૩૫ વર્ષથી તુલસી વિવાહ, નંદ મહોત્સવ, અન્નકૂટ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરતા આવ્યા છે અને દર અગિયારસના દિવસે ભજન તો હોય જ ! આ ઉપરાંત લોક લાગણીને માન આપીને પણ કોઈના દ્વારા આમંત્રણ મળે તો પણ આ બહેનો તે દિવસે જઈને ભજન કીર્તન કરાવે છે. સમસ્ત કથા દરમિયાન અનેક સંત મહાત્માઓએ પધરામણી કરી મહિલા મંડળ નો ઉત્સવ વધારેલ જુનાગઢ ભારતી આશ્રમના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ હરિહરાનંદ ભારતીજી મહારાજે પણ વિશેષ હાજરી આપેલ.
આમ મહિલા મંડળે આ આયોજન કરી સમસ્ત વિશ્વકર્માનું વંશજનું ગૌરવ વધાર્યું છે. પ્રમુખ અને મહિલા મંડળ બહેનોને અભિનંદન આપવા આપ શ્રીમતી રંજનબેનના મો નંબર ૯૩૨૮૮૦૭૨૧૦ ઉપર સંપર્ક કરી શકો છો.આ આયોજનમાં શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળ નડિયાદ , શ્રી સચિનભાઈ એ. પંચાલનો વિશેષ સહયોગ રહ્યો સમસ્ત નડિયાદ પંથકની પ્રજાએ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લઈને પોતાની જાતને ધન્ય ગણાવી હતી. નડિયાદના સ્થાનિક જ્ઞાતિજનો અને શ્રી વિશ્વકર્મા ભજન મંડળ ની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન
માહિતી :
અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર












