" મેરા ભારત પરેશાન " (લેખક : અસ્મિતા વિસરોલીયા, થાનગઢ)


"જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા' રાજેન્દ્ર ક્રિષ્ણના આ ગીતમાં આપણા ભારત દેશનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ભારત દેશનું નામ સાંભળતા જ આપણું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જાય છે. આપણે બધા ભારતવાસી હોવાનું ગૌરવ અનુભવીએ છીએ. એ ભારત દેશ જ્યાં મહાન સંતોએ જન્મ લીધો. એ પવિત્ર ભૂમિ એટલે ભારતભૂમિ. મારો દેશ મારો ભારત કેવો સુંદર કેટલો વિશાળ..!!

         આપણા દેશને " મેરા ભારત મહાન" કહેવાય છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા શું 'મેરા ભારત મહાન' લાગે છે? વિચારવા જેવું છે શું ખરેખર ભારત દેશ મહાન રહ્યો છે..!હાલના અનેક સળગતા પ્રશ્નો જેવા કે મોંઘવારી, બેરોજગારી, દર પાંચ મિનિટે થતા બળાત્કાર, ગરીબી જાતિવાદ,અંધવિશ્વાસ,ખોટી ધાર્મિક માન્યતાઓ વગેરે ખૂબ ફુલ્યા ફાલ્યા છે. દેશની રાજકીય પરિસ્થિતિ કથળતી જાય છે. સરકારી કર્મચારીઓ લાંચ લઈ પોતાના ઘર ભરે છે. એક તરફ સાક્ષરતા અભિયાન છે તો બીજી તરફ હજારો યુવાનો બેરોજગારીના ભરડામાં પીસાઈ રહ્યા છે. યુવાનોને ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પણ નોકરી મળતી નથી પરિણામે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે.

         દેશમાં દર પાંચથી સોળ મિનિટે એક બળાત્કાર થાય છે. દિલ્હીના નિર્ભયાકાંડ પછી પણ દેશમાં કશું બદલાયું નથી. અત્યંત દુઃખની વાત તો એ છે કે આવી ઘટનાઓ પર રાજકીય રમત રમાય છે. જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે રાજકીય પક્ષો પોતાના હિત અનુસાર એકબીજા પર આરોપ લગાવતા રહે છે. ગુનેગારોને સજા થતી નથી.આવા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે. ગુનેગારોને કાયદાનો ડર જરા પણ રહ્યો નથી. એક તરફ આપણે "બેટી બચાવો"ના નારા લગાવી રહ્યા છીએ ત્યારે આ બેટીઓની લાજ બચાવવા સરકાર કોઈ કડક પગલાં લઈ રહી નથી.

        દેશમાં ભ્રષ્ટાચાર પણ ખૂબ જ વધ્યો છે. ભ્રષ્ટાચારી નેતાઓ પોતાની ખુરશીની ચાહતમાં વોટ ચોરી કરી રહ્યા છે. સરકારી કચેરીઓમાં કર્મચારીઓ લાંચ લઈ મજા કરે છે. ચૂંટાયેલી સરકારો લોકશાહીનું ખૂન કરી રહી છે. દરેક સરકાર એવું ઈચ્છે છે કે નોકરશાહી નોકરી કરે, ગુલામી કરે, મોં બંધ રાખે. થોડું ઘણું એ ખાય અને અમને ધરાઈને ખાવા દે. આ કાર્ય પદ્ધતિ દેશ માટે ઘાતક છે. ભારત એકલો દેશ એવો છે જ્યાં રસ્તા પર ચાલતી ગાડીઓનું ચલણ તો કેમેરા કાપે છે પણ એ જ કેમેરાને રસ્તાનાં ખાડા દેખાતા નથી. ભ્રષ્ટાચાર દેશનું સૌથી મોટું પ્રદુષણ છે.

        ભારતમાં સરકારી શિક્ષણ વ્યવસ્થા પણ સંકટમાં છે. ઘણી ખરી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. ઉપરાંત સરકારી શાળાઓની સ્થિતિ દયનીય બની રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી અને શાળાઓના બાંધકામમાં ખામીઓ જોવા મળે છે. આથી સરકારી શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થાય છે. શાળાના શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની અનેક પ્રકારની બિન શૈક્ષણિક કામગીરીઓનું ભારણ હોવાથી શિક્ષકો બાળકોને અભ્યાસ માટે પૂરતો સમય આપી શકતા નથી.એક તરફ સાક્ષરતા અભિયાન છે તો બીજી તરફ શિક્ષણ વ્યવસ્થા અપુરતી છે. શાળાઓમાં પૂરતા વર્ગખંડ નથી ,પૂરતા શિક્ષકો નથી,પૂરતા લેબ નથી. પરિણામે દેશમાં શિક્ષણનો પાયો નબળો પડતો જાય છે.

          દેશમાં ગંદકી અને પ્રદૂષણનો મુદ્દો પણ બહુ અગત્યનો છે. અહીં ગંદગી સડકો પર છે એવું નથી અહીં ગંગા,યમુના,નર્મદા જેવી પવિત્ર નદીમાં પણ ગંદગી ફેલાયેલી જોવા મળે છે. આપણે દેશની નદીઓને માતાનું બિરુદ આપ્યું છે. એ પવિત્ર નદીઓ ગંદગીથી ખદબદી રહીં છે.

       દેશમાં આંતકવાદ અને જાતિવાદે પણ જોર પકડ્યું છે. આંતકવાદ અને જાતિવાદ દેશની એક ગંભીર સમસ્યા છે. ગમે ત્યાં,ગમે ત્યારે, ગમે તે જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થાય છે અને હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામે છે.આપણી સરકાર આંતકવાદ નાથવા કોઈ ઠોસ પગલાં લઈ શકી નથી.

ખબર નહીં કોનો વિચાર હતો પણ જાતિવાદ દેશની મુખ્ય સમસ્યાની એક છે. જ્યાં દેશ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યાં જાતિવાદના મૂળ ખૂબ ઊંડા જઈ રહ્યા છે. વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ ક્યાંક ને ક્યાંક જાતિવાદના દૂષણમાં ફસાયેલો દેખાય છે. જાતિવાદને રાજનીતિ દ્વારા પોષીને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. દેશના રાજકારણીઓએ માત્રને માત્ર પોતાની વોટ બેંક ચલાવવા માટે આ જાતિવાદના રાક્ષસને ખુલ્લો મૂકી દીધો છે. પોત પોતાના જ્ઞાતિવાદના કુંડાળામાંથી દેશની પ્રજા ક્યારે બહાર આવીને દેશના આર્થિક કે સામાજિક વિકાસ વિશે વિચારવાનો પ્રયત્ન જ નથી કરતી. જ્યારે દેશની એકતા અને અખંડિતતાની વાત આવે ત્યારે રાજકારણીઓ પોતાના વિસ્તારમાં જાતિઓને ઉશ્કેરીને જ્ઞાતિવાદના વમળને ઊંડા બનાવે છે.

       ‌‌ દેશમાં અંધવિશ્વાસ અને ખોટી ધાર્મિક માન્યતાઓએ માઝા મૂકી છે. ઠેર ઠેર આના ઉદાહરણો જોવા મળે છે. લોકો લોજીક અને વિજ્ઞાનને બદલે મેજીકમાં વધુ માને છે. દેશમાં ધર્મના નામે ધતિંગ વધતા જાય છે. એક તરફ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવીએ છીએ ત્યારે દેશમાં વધતા જતા આ બધા દૂષણોને જોઈને વિચાર આવે કે...... મારો મહાન દેશ આજે ખરેખર પરેશાન છે..

 "મેરા ભારત મહાન"..... આજે સાચે જ 

" મેરા ભારત પરેશાન" છે.

લેખક : અસ્મિતા વિસરોલીયા, થાનગઢ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું