લૉકભવન, ગાંધીનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન


ગાંધીનગર:

ગુજરાત રાજ્યના મહામાહિમ ગવર્નર શ્રી આચાર્યશ્રી દેવવ્રતજીના વર્ષગાંઠ નિમિતે લૉકભવન, ગાંધીનગર ખાતે તારીખ 18-01-2026, રવિવારના રોજ એક વિશાળ અને માનવતાપૂર્ણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.



આ કેમ્પ દરમિયાન લુહાર-સુથાર સમાજનું ગૌરવ ગણાતા તથા રાજ્ય સરકારના ગ્રામ વિકાસ લોકપાલ શ્રી રજનીકાંત સુથારે પોતે 30મી વખત રક્તદાન કરી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સાથે જ તેમણે પોતાના મિત્રવર્તુળ અને ઓળખીતાઓને પ્રેરણા આપી કુલ 40 રક્તદાતાઓને આ કેમ્પ સાથે જોડ્યા હતા, જે માનવસેવાની ભાવનાનું ઉત્તમ દર્શન કરાવે છે.



આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 576 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવી હતી, જે અનેક દર્દીઓના જીવન બચાવવામાં ઉપયોગી બનશે. લોકભવન ગાંધીનગર દ્વારા આયોજિત આ કેમ્પમાં GMERS ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, GCRI અમદાવાદ, યુ.એન. મેહતા હોસ્પિટલ, શ્રદ્ધાદીપ બ્લડ સેન્ટર તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો.



કેમ્પ દરમિયાન ગુજરાત રાજ્યના મહામાહિમ ગવર્નર શ્રી આચાર્યશ્રી દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી રક્તદાતાઓની મુલાકાત લઈ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મહામાહિમ ગવર્નર શ્રી તરફથી તમામ રક્તદાતાઓને સહીવાળું પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક સ્મૃતિભેટ આપવામાં આવી હતી.


આ પ્રસંગે લોકપાલ શ્રી રજનીકાંતભાઈ સુથારે મહામાહિમ ગવર્નર શ્રી આચાર્યશ્રી દેવવ્રતજીને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી અભિવાદન કરી તેમના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ માનવતા, સેવા અને સહકારની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. સફળતાપૂર્વક પૂર્ણ થયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ બાદ તમામ ઉપસ્થિતો હર્ષભેર વિદાય થયા હતા.


રક્તદાન મહાદાન — આ સૂત્રને સાર્થક કરતી આ પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.


માહિતી:

અશોક આર. પીઠવા વિશ્વકર્મા

વલ્લભ વિદ્યાનગર


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું