વિરમગામ: શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ, વિરમગામ દ્વારા સંવત ૨૦૮૨ મહાસુદ-૧૩ના શુભ દિવસે, તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ (શનિવાર)ના રોજ વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સર્વ જ્ઞાતિબંધુઓને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના યજમાન તરીકે કાંતીભાઈ મનસુખભાઈ જાદવાણી રહેશે. વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરાયું છે. કાર્યક્રમની શરૂઆત સવારે ૮:૦૦ કલાકે વિશ્વકર્મા દાદાના વિધિવત પૂજન સાથે કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન ભક્તિમય ધુનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો ભજન-કીર્તન દ્વારા વિશ્વકર્મા દાદાની સ્તુતિ કરશે. બપોરે ૧૨:૦૦ કલાકે મહા આરતી યોજાશે અને ત્યારબાદ ૧૨:૩૦ કલાકે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના ‘વિશ્વકર્મા ધામ’, કસ્ટમની ચાલી પાસે, ગોળપીઠા, વિરમગામ ખાતે યોજાશે. મંડળના પ્રમુખ રસીકભાઈ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ જ્ઞાતિ માટે એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિનો મહત્વપૂર્ણ અવસર છે. તેથી વધુમાં વધુ જ્ઞાતિબંધુઓ અને ભક્તોએ આ પાવન પ્રસંગે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.




