રાજકોટમાં આજે 181 મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનની સહિયારી, ઝડપી અને કાયદેસર કાર્યવાહીએ પ્રશાસનની સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. આ સંયુક્ત પ્રયાસના પરિણામે આશરે 8 વર્ષનું એક બાળક સહીસલામત મળી તેની ઓળખ પુષ્ટિ કર્યા બાદ માતા–પિતાને સોંપવામાં આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ એક સજ્જન નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરી હતી કે એક નાનું બાળક એકલું ભટકતું મળી આવ્યું છે. જાણ મળતાની સાથે જ 181 અભ્યમ ટીમના કાઉન્સેલર બીનાબેન ગોહિલ તથા પાયલોટ નાશિરભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા બાળકને સુરક્ષિત કસ્ટડીમાં લઈ, તેને શાંતિ આપી, નાસ્તો કરાવી અને વિશ્વાસમાં લઈને જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
બાળક દ્વારા આપેલા સરનામાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યાં કોઈ વાલી–વારસ ન મળતા મામલો આગળની કાર્યવાહી માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ને સોંપવામાં આવ્યો. ત્યારબાદ 1098 ટીમના યોગેશભાઈ અને મનવર પિયુષભાઈ સાથે સંયુક્ત રીતે વધુ તપાસ શરૂ કરવામાં આવી. બાળકનો ફોટો નજીકની શાળાઓમાં મોકલવામાં આવ્યો, તેમજ પુલ નીચે રહેતા હોવાની મળેલી માહિતીના આધારે પણ સ્થળ પર તપાસ કરાઈ, છતાં કોઈ ચોક્કસ ઓળખ મળી ન આવી.
પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદેસર કાર્યવાહી મુજબ મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો. ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન સ્ટાફે બાળક સાથે સંવેદનશીલ રીતે પુછપરછ કરી અને ટેક્નિકલ તેમજ માનવીય સૂત્રોના આધારે શોધખોળ આગળ ધપાવી. સતત પ્રયાસોના પરિણામે અંતે અટિકા ફાટક વિસ્તારમાંથી બાળકના ભાઈ સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી. ત્યારબાદ બાળકના માતા–પિતાને બોલાવી આધારકાર્ડ સહિતના દસ્તાવેજોથી ઓળખની ખાતરી કર્યા બાદ બાળકને સુરક્ષિત રીતે તેમના વાલી–વારસને સોંપવામાં આવ્યું.
આ પ્રસંગે 181 ટીમ તથા પોલીસ દ્વારા માતા–પિતાને સમજ આપવામાં આવી કે નાની ઉંમરના બાળકોને એકલા બહાર મોકલવું ગંભીર બેદરકારી છે અને તે કાયદેસર રીતે પણ દંડનીય બની શકે છે. માતા–પિતાએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં બાળકોની વિશેષ કાળજી રાખવાની ખાતરી આપી હતી.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે 181 મહિલા હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને પોલીસની સંયુક્ત કામગીરી બાળકોની સલામતી માટે અડગ કવચ સમાન છે. રાજકોટમાં કાર્યરત તમામ ટીમોની ઝડપી, સંવેદનશીલ અને કાયદેસર કામગીરી પ્રશંસનીય ગણાય છે અને આ ઘટનાને “સહિયારી કાર્યવાહીની શ્રેષ્ઠ નઝીર” કહી શકાય.
નાગરિકોને અપીલ:
જો કોઈ બાળક એકલું, ભટકતું કે સંકટમાં નજરે પડે, તો તરત 181 અથવા 1098 પર જાણ કરો.
એક કોલ – એક જીવન બચાવી શકે છે.
રિપોર્ટ : નીતિનભાઇ બદ્રકીયા, રાજકોટ




