અમદાવાદ:
મૂળ રાજકોટના વતની અને હાલ અમદાવાદમાં વસતા લુહાર સમાજના ગૌરવ સમાન યાગ્નિક મહેન્દ્રભાઈ પીઠવાએ પોતાની મહેનત, લગન અને પ્રતિભાના બળે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. યાગ્નિકે GLS યુનિવર્સિટીના Faculty of Computer Application & Information Technology (FCAIT) વિભાગમાંથી MCA અભ્યાસક્રમ શ્રેષ્ઠ દેખાવ સાથે પૂર્ણ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
યાગ્નિક (ઉંમર ૨૩ વર્ષ) નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર રહ્યો છે. તેમના પિતા મહેન્દ્રભાઈ પીઠવા ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે અને માતા ગૃહિણી છે. માતા–પિતાના સતત સહકાર, માર્ગદર્શન અને આશીર્વાદથી યાગ્નિકે પોતાના રસના વિષય ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. આ માટે તેમણે રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં BSc IT અભ્યાસ કર્યો, જેમાં તેમની ઉત્તમ કામગીરી બદલ તેમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો.
પોતાના ધ્યેયને સાકાર કરવા યાગ્નિકે GLS યુનિવર્સિટીમાં MCA અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ સતત પરિશ્રમ કર્યો. તાજેતરમાં તા. ૨૦-૧૨-૨૦૨૫ના રોજ આયોજિત સમારોહમાં જાણીતા ક્રિકેટર શ્રી સૂર્યકુમાર યાદવના શુભ હસ્તે યાગ્નિકને ગોલ્ડ મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો. આ સિદ્ધિથી યાગ્નિકે પોતાના પરિવાર ઉપરાંત સમગ્ર લુહાર સમાજનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે.
યાગ્નિકના જીવનનો મુખ્ય ધ્યેય સોફ્ટવેર, વેબસાઈટ તથા એપ્લિકેશન ડેવલપમેન્ટના ક્ષેત્રમાં સ્વરોજગાર સ્થાપી પોતાના જીવનને સાર્થક બનાવવાનો છે. તેઓ પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા–પિતાના આશીર્વાદ, તેમની મહેનત અને પરિવારના સહયોગને આપે છે.
આ ગૌરવભરી સિદ્ધિ બદલ યાગ્નિક મહેન્દ્રભાઈ પીઠવાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના છે કે યાગ્નિક સતત પ્રગતિના સોપાન સર કરે અને પરિવાર તેમજ લુહાર સમાજનું નામ ઉજળું કરે.
માહિતી: અશોક આર. પીઠવા વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર




