આ સેવા કાર્યનો મુખ્ય હેતુ શિક્ષણ સંસ્થાઓને જરૂરી મરામત સહાય પૂરી પાડવાનો તેમજ શ્રમ દિવસના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો. કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના વર્ગખંડોના દરવાજા, બારીઓ, બેન્ચ-ડેસ્ક, ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ, પાણીની લાઈનો સહિતના અનેક કામો કારીગર ભાઈઓ દ્વારા કુશળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા.
FCC ક્લબના આહ્વાનને પગલે જસદણના અનેક કારીગર ભાઈઓએ સ્વયંસ્ફૂર્ત રીતે ભાગ લીધો હતો અને માત્ર અઢી કલાકનો સમય આપી માનવ સેવા એ જ મહાન સેવા નો સંદેશ પ્રત્યક્ષ રૂપે સાકાર કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કારીગર ભાઈઓએ ખૂબ જ ઉત્સાહ અને સમર્પણભાવ સાથે કામગીરી કરી હતી, જે સ્કૂલના સંચાલન, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થઈ.
આ સેવા કાર્યમાં FCC ક્લબના સભ્યો દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે ક્લબના આગેવાનો તથા સ્વયંસેવકો સતત હાજર રહી જરૂરી માર્ગદર્શન અને સહકાર પૂરો પાડતા રહ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ સેવા આપનાર કારીગર ભાઈઓ માટે સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનની વ્યવસ્થા પણ FCC ક્લબ દ્વારા કરવામાં આવી હતી, જેને કારણે સહભાગીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી.
સ્કૂલના સંચાલક મંડળ દ્વારા FCC ક્લબ અને તમામ કારીગર ભાઈઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવા સેવા કાર્ય ભવિષ્યમાં પણ થતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સમાજમાં સેવા, એકતા અને શ્રમના સન્માનનો ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.
રિપોર્ટ : અશોકભાઈ અંબાસણા, જસદણ





