પદયાત્રાનુ જસદણ શ્રી ગુર્જર સુથાર સમાજ દ્વારા ભાવભર્યું સ્વાગત

 શ્રી વિશ્વકર્મા સમાજ, જુનાગઢ દ્વારા ઘેલા સોમનાથથી જુનાગઢ સુધીની ભવ્ય પદયાત્રા – જસદણમાં ભાવભર્યું સ્વાગત


શ્રી વિશ્વકર્મા સમાજ, જુનાગઢ દ્વારા આયોજિત ઘેલા સોમનાથથી જુનાગઢ તરફ ની પાવન અને ભવ્ય પદયાત્રા તારીખ ૨૦-૧૨-૨૦૨૫, શનિવારના રોજ જસદણ શહેર ખાતે પહોંચી હતી. આ પદયાત્રામાં રથમાં બિરાજમાન ભગવાન શિવલિંગ, માતા પાર્વતીજી, ગંગાજી, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી તથા શ્રી કાળભૈરવ દાદાની પાવન મૂર્તિઓ સાથે યાત્રા આગળ વધતી હતી. પદયાત્રાના જસદણ પહોંચતા જ સમગ્ર શહેરમાં ભક્તિભાવ, ઉત્સાહ અને આસ્થાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.

આ પવિત્ર અવસરે શ્રી ગુર્જર સુથાર સમાજ, જસદણ દ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નાની બાળાઓ દ્વારા રથ માં બિરાજમાન દેવી દેવતાઓ ની આરતી ઉતારવામાં આવી હતી. પદ યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરી, ફૂલહાર, ઢોલ-નગારા અને જયઘોષ સાથે આત્મીય આવકાર આપવામાં આવ્યો. સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ દરમિયાન “જય વિશ્વકર્મા”, “જય મહાદેવ”ના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમ માં અશોકભાઈ અંબાસણા અન્ય જસદણ સમાજ ના અગ્રણીઓ, યુવાનો, તથા જસદણ ની બહેનો નું ગ્રુપ મોટી સંખ્યા માં જોડાયા હતા. આ પદયાત્રા માટે ખાસ કરીને જસદણના સમાજ અગ્રણી શ્રી અશોકભાઈ અંબાસણા, તમામ કમિટી મેમ્બર તથા સમગ્ર જસદણ સમાજનો શ્રી વિશ્વકર્મા સમાજ, જુનાગઢ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


આ પદયાત્રા ભક્તિ અને સંસ્કૃતિનો અદભુત સંગમ બની છે. પ્રથમ દિવસ, તારીખ ૧૯-૧૨-૨૦૨૫, શુક્રવારના રોજ ઘેલા સોમનાથ ખાતે રાત્રી રોકાણ અને ભોજન પ્રસાદનું આયોજન ઘેલા સોમનાથ મંદિરના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. બીજા દિવસે, ૨૦-૧૨-૨૦૨૫, શનિવારે વહેલી સવારે આરતીના દર્શન કર્યા બાદ તમામ દેવી-દેવતાઓને રથમાં બિરાજમાન કરી પદયાત્રા રૂટ પર પ્રસ્થાન કરાયું હતું.

જસદણ ખાતે બપોરના ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા જસદણ સમાજના સૌજન્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મોટા દડવા ખાતે રાત્રી ભોજન અને રોકાણની વ્યવસ્થા જસદણના પ્રમુખ શ્રી મનોજભાઈ જોલાપરા, ભરતભાઈ સેથલીયા-બિલળી તથા સુથાર (છનીયારા) રમેશભાઈ મનસુખભાઈ હસ્તે સુથાર ગાર્ગીલ રમેશભાઈ-અમદાવાદના સહયોગથી કરવામાં આવી હતી. 


પદયાત્રાના ત્રીજા દિવસે, તારીખ ૨૧-૧૨-૨૦૨૫, રવિવારે મોટા દડવાથી સવારે પ્રસ્થાન કરી ઘોઘાવદર ખાતે બપોરનું ભોજન અને વિશ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા મહિલા સેવા સમિતિ, જુનાગઢના પ્રમુખ નિતાબેન ગજ્જરના માસી-માસા, શ્રી લીલાબેન તથા શ્રી ગીરધરભાઈ ઠુંમર (માજી સરપંચ), ઘોઘાવદરના સૌજન્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગોંડલ ખાતે રાત્રી રોકાણ અને ભોજન પ્રસાદનું આયોજન જયદીપભાઈ તથા દર્શનભાઈ પંચાસરા (નિતાબેન ગજ્જરના ભાણેજ) દ્વારા કરવામાં આવ્યું હતું.

ચોથા દિવસે, ૨૨-૧૨-૨૦૨૫, સોમવારે ગોંડલથી સવારે પ્રસ્થાન કરી વિરપુર ખાતે બપોરનું ભોજન અને વિશ્રામનું આયોજન દિનેશભાઈ, દીપકભાઈ મનસુખભાઈ અંબાસણા તથા ચેતનભાઈ ચંદુભાઈ અંબાસણા પરિવાર દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ જેતપુર ખાતે રાત્રી રોકાણ, ભોજન તથા સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર પ્રગતિ મંડળ, જેતપુર દ્વારા કરવામાં આવી હતી.

પાંચમા દિવસે, ૨૩-૧૨-૨૦૨૫, મંગળવારે વડાલ ખાતે બપોરનું ભોજન, રાત્રી રોકાણ અને રાત્રી ભોજનની વ્યવસ્થા સુથાર (છનીયારા) રમેશભાઈ મનસુખભાઈ હસ્તે સુથાર ગાર્ગીલ રમેશભાઈ-અમદાવાદના સૌજન્યથી કરવામાં આવી. અંતે છઠ્ઠા દિવસે, ૨૪-૧૨-૨૦૨૫, બુધવારે પદયાત્રા વડાલથી સવારે પ્રસ્થાન કરી દોલતપરા, મજેવડી ગેટ, ગાંધી ચોક, જયશ્રી રોડ, કાળવા ચોક, દાતાર રોડ મારફતે ગિરનાર દરવાજા, જુનાગઢ ખાતે પહોંચશે.

જુનાગઢ પહોંચ્યા બાદ તમામ દેવી-દેવતાઓને ગિરનારની ગોદમાં આવેલ ગાયત્રી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે અને નિયમિત આરતી કરવામાં આવશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું