શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ – વસ્ત્રાલનો દ્રિતીય સ્નેહમિલન સમારોહ, 27 ડિસેમ્બરે યોજાશે


અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સ્થિત શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ – વસ્ત્રાલ દ્વારા સમાજની એકતા, પરસ્પર સ્નેહ અને સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે દ્રિતીય સ્નેહમિલન સમારોહ–૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલન સમારોહ તા. ૨૭-૧૨-૨૦૨૫, શનિવાર ના શુભ દિને યોજાવાનો છે.

ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વસ્ત્રાલ સમાજના સ્નેહીજનોને સહકુટુંબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


સ્નેહમિલનનો કાર્યક્રમ સાંજે ૪-૦૦ કલાકે શરૂ થશે, જ્યારે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા સાંજે ૭-૦૦ કલાકથી રાખવામાં આવી છે. કાર્યક્રમનું સ્થળ ઓપન પાર્ટી પ્લોટ, ગીરીવર હોમ્સની સામે, માધવ સ્કૂલ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ રાખવામાં આવ્યું છે.

આ સ્નેહમિલન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તથા વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે શ્રી મલ્કેશભાઈ પ્રવિણભાઈ સીનરોજા (ટ્રસ્ટીશ્રી, શ્રી વિશ્વકર્મા દાદાનો દરબાર) હાજરી આપશે.

આ ઉપરાંત સમાજના વિવિધ આગેવાનો, સંસ્થાઓના પ્રમુખો, ધાર્મિક પ્રવચનકારો, સામાજિક કાર્યકરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ તથા સુપ્રસિદ્ધ લોક ગાયક શ્રી વિજયભાઈ ગજ્જર સહિતના આમંત્રિત મહેમાનો કાર્યક્રમની શોભા વધારશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજ – વસ્ત્રાલ ની કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રમુખશ્રી શ્રી જયેશભાઈ એચ. ઝાલેરાના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ સક્રિય રીતે કાર્યરત છે.

આ સ્નેહમિલન સમારોહ સમાજની નવી પેઢીને એકત્ર લાવી એકતા, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ અવસર બનશે તેવી સમાજમાં ઉત્સાહભરી લાગણી જોવા મળી રહી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું