દાહોદ, ગુજરાત: દાહોદ જિલ્લાના લીમડી શહેરની અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ક્લોથિંગ એન્ડ ટેક્સટાઈલ્સ (Clothing & Textiles) માં માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કરનાર વિશ્વકર્મા વંશજ કશિશ જે. પંચાલે દર્દીઓ માટે અવનવી અને આરામદાયક વસ્ત્રોની ૩૦ જેટલી ડિઝાઈન તૈયાર કરી છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પહેરાવવામાં આવતા વસ્ત્રોની અસુવિધાને ધ્યાનમાં રાખીને તેમણે આ સંવેદનશીલ પહેલ કરી છે.
સામાન્ય રીતે, હોસ્પિટલમાં દર્દીઓને પહેરાવવામાં આવતા વસ્ત્રોની ડિઝાઈન અલગ-અલગ હોય છે, પરંતુ તે હંમેશા દર્દી માટે આરામદાયક હોતા નથી. કશિશે આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીને એવા વસ્ત્રો ડિઝાઈન કર્યા છે જે દર્દીને સંપૂર્ણપણે આરામદાયક અનુભવ કરાવે. તેમની ડિઝાઈનમાં ખૂણાઓ, સિલાઈની સરળતા, ઓપનિંગ સિસ્ટમ, દર્દીની હલનચલન, ડાઘ ધોવાની સરળતા અને ખર્ચ જેવા પાસાઓને વિશેષ રૂપે ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
કશિશને આ પ્રેરણા દર્દીઓને કપડાં બદલતી વખતે થતી પીડા નરી આંખે જોઈને મળી હતી. આ અનુભવે તેમના હૃદયને સ્પર્શી ગયો અને તેમણે દર્દીઓ માટે અનુકૂળ વસ્ત્રો બનાવવાનું નક્કી કર્યું. હાલમાં, તેમની ૬ ડિઝાઈનના વસ્ત્રોને દર્દીઓને વાસ્તવિક ટ્રાયલ માટે આપવામાં આવ્યા છે.
ભવિષ્યમાં, કશિશ દરેક હોસ્પિટલ સાથે ટાઈઅપ કરીને આ સ્ટાર્ટઅપનો વ્યાપ વધારવાની ઈચ્છા ધરાવે છે. તેમના આ સંશોધન અને સર્વે દરમિયાન, તેમના રિસર્ચ ગાઈડ ડૉ. રીના ભાટિયાએ તેમને માર્ગદર્શન પૂરું પાડીને તેમનો ઉત્સાહ વધાર્યો છે.
નાનપણથી જ હોંશિયાર કશિશને અભ્યાસની સાથે સાથે ચિત્ર, આર્ટ ક્રાફ્ટ અને ક્રિએટિવિટીનો શોખ હતો, જે તેમણે પોતાના અભ્યાસ થકી પૂર્ણ કર્યો. તેઓ ભવિષ્યમાં પોતાની બ્યુટિક શરૂ કરવાની પણ ઈચ્છા ધરાવે છે. તેમની આ યશગાથામાં ગોલ્ડ અને સિલ્વરનો વ્યવસાય કરતા તેમના પિતા જયેશભાઈ અને ગૃહિણી માતા અનુપમાબેન પ્રેરણારૂપ બન્યા છે. ટૂંક સમયમાં, કશિશ પોતાના ભાવિ પતિ ભાવન પંચાલ સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે.
માહિતી : અશોકભાઈ પીઠવા, વલ્લભ વિદ્યાનગર
