કુડાસણમાં નવનિર્મિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી, 10થી 15 લોકો ફસાયા હોવાની આશંકા
ગાંધીનગર: ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નવનિર્માણ પામી રહેલી બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્લેબ અચાનક તૂટી પડતાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં 10થી 15 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.
દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની સ્થિતિનું નિરીક્ષણ કરી રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
હાલમાં ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા કાટમાળ હટાવીને વધુ લોકો ફસાયા છે કે કેમ તે અંગે તપાસ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના ચોક્કસ કારણો અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે.

0 ટિપ્પણીઓ
તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો