કચ્છના અબડાસા તાલુકાના બોહા સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીના આતંકથી માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચરાણ માટે ગયેલા ગાયોના ટોળા પર દીપડા જેવા હિંસક પ્રાણીએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ગાયને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોના દાવા મુજબ બોહા સીમ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક પ્રાણીની અવારનવાર હાજરી જોવા મળે છે. જેના કારણે પશુઓને ચરાવવા લઈ જતા માલધારીઓમાં પણ ભયનો માહોલ છે.
ખેડૂતોનું કહેવું છે કે રાત્રિના સમયે ખેતરોમાં પાણી વાળવા જતા સમયે પણ હિંસક પ્રાણીના હુમલાનું જોખમ રહે છે. આ સ્થિતિને પગલે બોહા સહિત આસપાસના ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોએ સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવી હિંસક પ્રાણીને ઝડપી પાડવા તેમજ તેની અવરજવર પર નજર રાખવાની માંગ કરી છે. કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં વન વિભાગ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોએ અપીલ કરી છે.
0 ટિપ્પણીઓ
તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો