સુરતની શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, કાપડનો મોટો જથ્થો ખાખ; ફાયરકર્મી ઇજાગ્રસ્ત
સુરત: સરોલી વિસ્તારમાં આવેલી શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મંગળવારની મધરાત બાદ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ મુખ્યત્વે માર્કેટના છઠ્ઠા માળે લાગી હતી અને બાદમાં પાંચમા માળના કેટલાક વિસ્તારો સુધી પણ તેની અસર પહોંચી હતી. ઘટનામાં અનેક દુકાનો તથા તેમાં રાખવામાં આવેલો કાપડનો જથ્થો નુકસાનગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.
સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર બસંત પારેખના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 12:52 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમમાં આગ અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયર સ્ટેશનમાંથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આગની વિકરાળતા ધ્યાનમાં લઈને ત્યારબાદ વધારાના ફાયર વાહનો, સાધનો અને જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના આશરે 25 વાહનો અને 150 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા હતા. ઊંચાઈ પર લાગેલી આગને પહોંચી વળવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્નટેબલ લેડર જેવા વિશેષ સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગને નિયંત્રણમાં લેવા માટે ફાયર વિભાગે સતત આશરે 7થી 8 કલાક સુધી કામગીરી કરી હતી.
આ દરમિયાન આગ બુઝાવવાની કામગીરીમાં એક ફાયરકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
માર્કેટના છઠ્ઠા માળના પેસેજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પેક કરાયેલો કાપડનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સિન્થેટિક કાપડ, પ્લાસ્ટિક પેકિંગ સામગ્રી અને કાર્ડબોર્ડ જેવી જ્વલનશીલ વસ્તુઓના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જણાવાયું છે. આગની અસરથી પાંચમા માળની કેટલીક દુકાનોને પણ નુકસાન થયું હતું.
શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં કુલ 284 જેટલા બ્લોક્સ અને છ માળ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાપડનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. આગમાં આ જથ્થાને નુકસાન થતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં આગથી થયેલા કુલ નુકસાનનો સત્તાવાર આંકડો જાહેર થયો નથી. આગનું ચોક્કસ કારણ પણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગના કારણ અંગે તપાસ ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.



0 ટિપ્પણીઓ
તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો